પાટણ જીલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયનની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આયોજિત પાટણ જિલ્લા આંતર વિભાગીય ક્રિકેટ લીગ સીઝન-1 (2025) નો આજરોજ બાલીસણા ગામના ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી દબદબાભેર પ્રારંભ થયો છે.
ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રી સિદ્ધપુર જે. એચ બારોટ, પ્રાંત અધિકારી શ્રી એચ. ડી. ચૌહાણ, નાયબ ચૂંટણી અધિકારીશ્રી પી.વાય ગોસ્વામી, આરોગ્ય અધિકારીશ્રી વિષ્ણુભાઇ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે.બી. પટેલ અને ક્ષય અધિકારીશ્રી દેવેન્દ્ર પરમાર સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી ક્રિકેટ લીગ સીઝન-1 નો શુભારંભ કરાવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ દરેક ટીમના ખેલાડીઓને ખેલદિલીપૂર્વક રમવાની પ્રેરણા પૂરી પાડી હતી. આ સાથે મેદાન પરના ખેલાડીઓ અને પ્રેક્ષકોએ આનંદની ચિચિયારીઓ સાથે ક્રિકેટ મેચના શુભારંભને વધાવ્યો હતો.
આ પ્રસંગે ૧૫ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત દરેક ચૂંટણીમાં નિર્ભયતા પૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા વિના મતદાન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તેમજ ક્રિકેટ મેદાન નજીક બનાવવામાં આવેલ ચબુતરામાં મહનુભાવોના હસ્તે પક્ષીઓને ચણ નાખવામાં આવ્યું હતું.
ટુર્નામેન્ટના પ્રારંભે આજે પ્રથમ દિવસે પાટણ જિલ્લા અદાલત અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઇ હતી. દિવસ દરમિયાન કુલ પાંચ મેચો રમાડવામાં આવી હતી. ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે દરેક વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ આ મેચમાં ભાગ લીધો હતો. આ ટુર્નામન્ટમાં કુલ છ ગ્રુપમાં ૧૮ ટીમો ભાગ લઈ રહી છે. જેમની વચ્ચે તા. ૨૩ ફેબ્રુઆરી સુધીમાં ૨૬ મેચો રમાશે, જ્યારે સ્પર્ધાની ફાઈનલ મેચ ૨૬ ફેબ્રુઆરીએ રમાશે. ગ્રુપ અને ફાઈનલ સહિત તમામ મેચો બાલીસણા ખાતેના ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવામાં આવશે.
જિલ્લા કલેકટર સાહેબની સૂચના, પ્રેરણા અને માર્ગદર્શનથી કલેકટર કચેરીના શ્રી હર્ષદભાઈ મકવાણા શ્રી મનવરસિંહ કટારીયા અને શ્રી સંજયભાઈ પરમારની ટીમના સદસ્યોએ ખૂબ મહેનત કરીને દરેક વિભાગ સાથે સંકલન અને સમન્વયથી સુંદર આયોજન કરેલ છે.
આજના ક્રિકેટ મેચના ઉદઘાટન પ્રસંગે જિલ્લા રજીસ્ટ્રારશ્રી શિવપાલ સિંહ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી નરેન્દ્રભાઈ ચાવડા, જિલ્લા આયોજન અધિકારીશ્રી ડુમાડિયા, પી.એસ.આઇ શ્રી નરેન્દ્રસિંહ, માહિતી મદદનીશશ્રી જીજ્ઞેશ નાયક, ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડના સ્થાપક શ્રી નિલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ રસિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને મેચનો રોમાંચ માણ્યો હતો.