Advertisement

બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત “કોફી વિથ કલેક્ટર” તથા મિશન શક્તિ યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ

“જાતીય સતામણી અધિનિયમ – ૨૦૧૩” હેઠળ આંતરિક સમિતિ રચવા અને SHE-Box પોર્ટલ પર નોંધણી કરવા સુચન

આંતરરાષ્ટ્રીય દીકરી દિવસના ઉપક્રમે બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને ન્યૂ કોન્ફરન્સ હોલ, કલેકટર કચેરી, પાટણ ખાતે “કોફી વિથ કલેક્ટર” કાર્યક્રમ તેમજ મિશન શક્તિ યોજના અંતર્ગત પાટણ જિલ્લા દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ હતી.

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર “મિશન શક્તિ યોજના” અંતર્ગત રાજ્ય કક્ષાએ સ્ટેટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઑફ વિમન (SHEW) અને જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઑફ વિમન (DHEW) સ્થાપિત કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા, સુરક્ષા અને સશક્તિકરણ સુનિશ્ચિત કરવા તેમજ જાતિગત અસમાનતા નિવારણ માટે જાગૃતિ લાવવાનો છે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના પ્રતિનિધિશ્રી, જિલ્લા રોજગાર અધિકારીશ્રીના પ્રતિનિધિશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના પ્રતિનિધિશ્રી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી (ICDS), જિલ્લા દહેજ પ્રતિબંધક સહ-રક્ષણ અધિકારીશ્રી, DHEW, OSC તથા PBSC સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

“કોફી વિથ કલેક્ટર” કાર્યક્રમ અંતર્ગત સાંતલપુર તાલુકાના વિવિધ ગામોની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ સાથે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટે તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ પટેલે ખુલ્લી ચર્ચા કરી હતી. દીકરીઓને પરીક્ષાની તૈયારી, લક્ષ્યનિર્ધારણ, અને આત્મવિશ્વાસ વધારવા માટે પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ મિશન શક્તિ હેઠળની DHEW, BBBP તથા OSC યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી અને યોજનાકીય કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ દરેક માસે વિધવા હયાતી ખરાઈ પછી મરણ પામેલ વિધવા બહેનોની માહિતી ગ્રામ પંચાયત સ્તરે મેળવી તેમની સહાય બંધ થાય તે સુનિશ્ચિત કરવા અને દરેક કચેરીમાં “જાતીય સતામણી અધિનિયમ – ૨૦૧૩” હેઠળ આંતરિક સમિતિ રચવામાં આવે અને તેની SHE-Box પોર્ટલ પર નોંધણી કરવા સુચન કર્યું હતું.

અંતમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ ઉપસ્થિત મહેમાનોનો આભાર માનતા બેઠક પૂર્ણ જાહેર કરી હતી.

Satyarath News ગોવાભાઈ આહીર પાટણ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!