Advertisement

કલેકટરશ્રી અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જાળેશ્વર પાલડી ખાતે જિલ્લા કક્ષાના ૭૬ મા પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરાઇ

પાટણ જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને દેશના ૭૬ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જાળેશ્વર પાલડી મુકામે આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી. કલેકટરશ્રી અરવિંદ વિજયને તિરંગો ઝંડો ફરકાવી સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ જિલ્લાવાસીઓને ૭૬ મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયને પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવતાં ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ હોવાનું જણાવી આજના દિવસે ધ્વજવંદન કરવાનો અવસર મળ્યો એ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. કલેકટરશ્રી એ પાટણ જિલ્લાના શહીદ વિરો અને સ્વત્રંત સેનાનીઓને યાદ કરી જણાવ્યું કે દેશની આઝાદીના ઇતિહાસમાં પાટણ જિલ્લાનું પણ બહુમૂલ્ય યોગદાન છે. પાટણની રાણીની વાવ, ડાયનાસોર પાર્ક, સિધ્ધપુર માતૃગયા તીર્થ અને તીર્થ ભૂમિ શંખેશ્વર જેવા સ્થાનકો જિલ્લાના પર્યટન સ્થળ તરીકે વિકસિત થયા છે. દેશ અને રાજ્ય સાથે પાટણ જિલ્લો પણ પ્રગતિના નવા સોપાન સર કરી રહ્યો છે. વિકસિત ભારત, વિકસિત ગુજરાત સાથે વિકસિત પાટણની નેમ સાથે જિલ્લો આગળ વધી રહ્યો છે. ખેતી, રોજગારી, આરોગ્ય, શિક્ષણ , રોડ રસ્તા જેવી માળખાગત સુવિધાઓથી સજજ બન્યો છે. જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે.

જિલ્લા વહિવટીતંત્રની કાર્યદક્ષતાના પરિણામે પાટણ જિલ્લો નિરંતર પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે આપણે સૌ વિકાસના સહિયારા પથમાં સાથે મળીને વિકાસ માટે કાર્યો કરીએ અને આપણો પાટણ જિલ્લો વિકાસનો પર્યાય બની રહી તે માટે સતત પ્રયાસરત રહેવાનો આજના દિવસે સંકલ્પ કરવા કલેકટરશ્રીએ જિલ્લા વાસીઓને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે દેશભક્તિ ગીત, રાસ ગરબા, તલવાર રાસ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ પોલીસ, જળ સ્ત્રાવ એકમ, પુરવઠા, વાસ્મો, આઇ.સી. ડી .એસ , વન વિભાગ, આરોગ્ય અને રમત ગમત વિભાગ, ખેતીવાડી, અને આર.ટી.ઓ કચેરી દ્વારા થીમ આધારિત ટેબ્લો નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ જીલ્લા પોલીસ અશ્વ દળ દ્વારા હોર્શ શૉ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ ઘોડેસવારો ના દિલધડક સ્ટંટ જોઈ લોકો મંત્ર મુગ્ધ બન્યા હતા.

આ પ્રસંગે પાટણને રાષ્ટ્રીય સ્તરે મેરેથોન દોડમાં ગૌરવ અપાવનાર નિરમા ઠાકોર અને પોતાની કોઠાસુઝથી ફાઇટર જેટ વિમાન બનાવનાર ચારુપ સરકારી શાળાના ધોરણ દસના વિદ્યાર્થી સિધ્ધાર્થ ઠાકોર સહિત રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ, વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને વ્યક્તિ વિશેષને કલેકટરશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ રાજ્ય સરકારની વિકાસ ગ્રાન્ટનો રૂપિયા ૨૫ લાખનો ચેક સરસ્વતી તાલુકા વિકાસ અધિકારીને એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલ બેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.એમ.પ્રજાપતિ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, શાળાના બાળકો અને નાગરિકો ઉત્સાહભેર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!