નામ – નાયી કૈલાશ
મો – 7359219398
સ્થળ – મહેસાણા ઉત્તર ગુજરાત
મહેસાણા તાલુકાના જગુદન થી ખેરવા રોડ પર 2 ફૂટ ઊંડા ખાડાએ યુવાનનો જીવ લીધો
મહેસાણા તાલુકાના જગુદન ગામની હદમાં જગુદન થી ખેરવા રોડ પર નર્મદા પાણી પુરવઠા દ્વારા એક તળાવ બનાવવામાં આવેલ છે.આ તળાવમાં નર્મદા યોજના અંતર્ગત પાણી ભરવામાં આવ્યું છે.જે તે સમયે ખોદવામાં આવેલ તળાવ તો સરકારશ્રીના ધારા ધોરણ મુજબ ખોદવામાં આવ્યું નથી .જેથી આજે પણ પાળી બાંધકામ વગરનું 60 ફૂટ ઊંડાઈ ધરાવતું તળાવ સ્થાનિક ગ્રામજનો અને પશુઓ માટે જીવનું જોખમ બની રહ્યું છે. આ તળાવમાં પાણી ભરવા માટેની પાઇપ લાઇન આ રોડની નીચેથી નાખવામાં આવેલ છે.જેમાંથી પાણી લીકેજ થવા પામેલ છે.જેના કારણે આ મુખ્ય રોડ પર 2 ફૂટનો ઊંડો ખાડો છેલ્લા ઘણા સમયથી પડી જવા પામેલ.જેના કારણે ઘણા વાહન ચાલકોને ઇજાઓ થવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ ઊંડા ખાડાને કારણે આ જગ્યા પર ગત તા-૧૨/૦૮/૨૦૨૪ના રોજ એક ટ્રેક્ટર અને બાઈકનો ગમખ્વાર અકસ્માત થવા પામ્યો હતો.જેમાં બાઇક સવાર ઠાકોર કૌશિકજી ગણેશજી ધોળાસણનું કરુણ મોત નીપજ્યું હતું.આ બાબતે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પામી છે.
બનાવ બન્યાના બીજા જ દિવસે માર્ગ મકાન વિભાગ આ ખાડો પુરવા પહોંચી ગયા હતા.અને ખાડો પૂરવામાં આવ્યો હતો.
સરકારી તંત્ર ત્યારે જાગે છે જ્યારે દેશના નાગરિકોને જીવ ગુમાવવા પડે.આ પ્રકારની ઘટનાઓમાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ઝડપી કોઈ પગલાં લેવામાં આવતા નથી.તેમજ સરકારી તંત્ર દ્વારા સ્થાનિક લોકોની રજુઆત સાંભળવામાં આવતી નથી.જેના કારણે આવા અનિસ્છનિય બનાવો બનવા પામે છે.માર્ગ મકાન વિભાગના જવાબદાર કોન્ટ્રાક્ટરને પૂછતાં જવાબ મળેલ કે પાણી પુરવઠા દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપને કારણે આ ઊંડો ખાડો પડી જવા પામ્યો છે.આ પાણીની પાઇપ લાઈનની કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં આવી નથી.સરકારી તંત્રના અધિકારીઓ આ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરે અને દેશના નાગરિકોને તકલીફો ,સમસ્યાઓ અને જીવ ગુમાવી દુઃખની વેદનાઓ ભોગવવાનો વારો આવે તે યોગ્ય નથી.
હવે જોવાનું રહ્યું કે આ બાબતે ગુનેગારને કેવા અને કઈ પ્રકારના ઉચ્ચ વિભાગના અધિકારીઓ પગલાં ભરે છે?